મહારાજ સંતો-ભક્તો સાથે એભલબાપુના ખેતરમાં રહેતા ત્યારે એક વખત ભૂજથી સુંદરજી સુથાર તથા હીરજી સુથાર મહારાજ માટે સુવર્ણજડિત વાંસળી લઈને આવ્યા.

સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, “મહારાજ ! મને સ્વપ્નમાં આપના વાંસળી વગાડતા સ્વરૂપનાં દર્શન થયાં હતાં. એ સ્વરૂપનાં દર્શનની ઇચ્છા છે આથી આ વાંસળી લઈને આવ્યો છું.”

મહારાજની અનિચ્છા હોવા છતાં ભક્તનો ભાવ પૂર્ણ કરવા મહારાજે હસ્તમાં વાંસળી લઈ સૂર છોડ્યા. અનંતકોટિ બ્રહ્માંડના પતિ વાંસળી વગાડે એટલે સમગ્ર બ્રહ્માંડ ભેદાઈ જ જાય... એમ વાંસળીના નાદથી સર્વત્ર શાંતિ, દિવ્યતા છવાઈ ગઈ. ઘાસ ચરતી ગાયો અટકી ગઈ ને મહારાજનાં દર્શન કરવા લાગી. એભલબાપુનો પરિવાર સૂતો હતો તે પણ વાંસળી સાંભળતાં જાગી ગયા કે, ‘નક્કી મહારાજે આ સૂર છોડ્યા લાગે છે; નહિ તો આવી દિવ્યતા ન અનુભવાય.’ આખો પરિવાર પહોંચ્યો બીડમાં મહાપ્રભુ પાસે. એભલબાપુને સમાધિ થઈ ગઈ અને સમાધિમાં મહાપ્રભુનાં દિવ્ય તેજોમય દર્શન થયાં. અક્ષરધામની મૂર્તિ ને અહીં મનુષ્યને મનુષ્ય જેવી દીસતી મૂર્તિ એક જ છે તેવો અહેસાસ થયો. સમાધિમાંથી જાગૃત થતાં જ તે મહારાજનાં ચરણમાં પડી ગયા.

“મહારાજ ! આપ સર્વાવતારી પ્રભુ અમારા ગાર-માટીના ઘરમાં બિરાજો છો. આપના સંતો-ભક્તો પણ અક્ષરધામના મુક્તો છે. તેમની પાસે અમારી સેવા કરાવો છો તેથી અમને ધિક્કાર છે !” એમ કહેતાં રડી પડ્યા...

આ દિવ્ય વાતાવરણથી તથા દિવ્ય દર્શન-સ્તુતિથી સૌ મહારાજના મહિમામાં ગરકાવ થઈ ગયા.