ગઢપુરમાં વસંતપંચમીનો ઉત્સવ.

દેશોદેશથી હરિભક્તો આ સમૈયામાં લાભ લેવા પધારવાના હતા.

સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચર પણ તૈયાર થયા.

પરિસ્થિતિ ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ નિષ્ઠા અમીર હતી તેથી મહારાજ માટે જગન્નાથીના તાકા લઈ વસ્ત્ર તથા પાઘડી કરાવી સમૈયામાં પહોંચ્યા.

મહારાજે સભાજનોને આજ્ઞા કરી,

“જેણે પૂજા કરવી હોય તે આગળ આવી કરો.”

દેશાંતરના હરિભક્તોને મહારાજ માટે ભારે ભારે પોષાક અને દાગીના લાવતા જોઈ બંને ભાઈઓ વિચારમાં પડ્યા,

‘આપણે આની આગળ શું હિસાબમાં ? માટે કાંઈ ઊભા થવું નહીં.’ અને મહારાજે અંતર્યામીપણે જાણીને કહ્યું,

“વાઘાખાચર ! અમરાખાચર ! લાવો, તમારો પોશાક.”

બંને ભાઈઓ મહારાજને હરખભેર વાઘા અર્પણ કરવા ઊભા થયા. તેમના વાઘા લઈ સભામાં પહેરતાં પહેરતાં કહ્યું,

“વાઘા, અમરા, અમારે અત્યારે રંગ ઉડાડવો છે તે આ હરિભક્તોના ભારે વસ્ત્રો પહેરી શી રીતે રંગ ઉડાડાય ? માટે આપ ધોળાં વસ્ત્રો લાવ્યાં તે બહુ સારું કર્યું.”

આમ શ્રીહરિ ગરીબ ભક્તોની પોતા પ્રતિ અમીરાઈભરી ભક્તિને વશ થઈ તેઓની સેવા અંગીકાર કરતા.