ઈ.સ. 1984-85માં ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી નળકંઠા વિચરણ દરમ્યાન એક દિવસ સાંજના સમયે સાંકોદરા ગામના મંદિરે પધાર્યા હતા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કથાવાર્તા કરવાની શરૂ કરી, “અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ એક જ છે. એમની મોટપ શું ! તે પ્રથમ પ્રકરણના 72મા વચનામૃતમાં ‘વડવાનળ અગ્નિ’ના દૃષ્ટાંત દ્વારા સમજાવી છે.”

     થોડી વારમાં આખું મંદિર મુમુક્ષુઓથી ખીચોખીચ ભરાઈ ગયું.

     રાત્રિનો ટાઢો પહોર આગળ વધતો જતો હતો તેમાં તેમની ઉષ્માપૂર્ણ અમૃતવાણીનો વહેતો વાક્પ્રવાહ મુમુક્ષુઓને બ્રહ્મપ્રાપ્તિનો અનુભવ કરાવતો હતો. મુમુક્ષુ હરિભક્તો પણ કથામાં થતી પ્રશ્નોત્તરીમાં ઉત્સાહથી જોડાતા હતા. એથી એમનો અતોલ માલ આપવાનો આગ્રહ અતિ વેગીલો બન્યો.

     રાતના અઢી વાગ્યા હતા. પણ એમનો મહારાજ ઓળખાવવાનો અદમ્ય તલસાટ હરિભક્તોને સ્પર્શી ગયો. હરિભક્તો તો આવા સાચા સંતથી ખૂબ જ અભિભૂત થયા.

     એમાં એક મુમુક્ષુ ભક્ત હાથ ઊંચો કરી વિવેકથી બોલ્યા, “સ્વામી, આ વાતુંએ અમને જબરું ઘેલું લગાડ્યું છે. ઊઠવાનું મન થતું જ નથી. માર હાળું એવું થયા કરે છે, આ વાતું હજુયે હાંભળ્યા જ કરું. સ્વામી આપ થાક્યા હશો. માટે હવે વાતું બંધ રાખો ને થોડો આરામ કરો...” ત્યાં બીજા હરિભક્ત વચમાં બોલ્યા, “ સ્વામી, અમે વાતું કરતા સંતો જોયા છે પણ વાતું ને વર્તન એક હોય એવા સાચા સંતો પહેલા જ ભાળ્યા. સ્વામી, અમારે આપની સેવા કરવી છે પણ અત્યારે છેલ્લા પહોરની ઘડીયું હાલી રહી છે. વળી, આપની વાતું હૈયડું ઠારે સે. માટે કાલે સવારે ફરી વાર કથા કરી અહીં ઠાકોરજીના થાળ કરી જમાડીને જ જવાનું છે.”

     વાતું વિરમી. સૌ ભક્તો ઘરે ગયા ને નાહી-ધોઈ-પૂજા કરીને પાછા મંગળા સમયે આરતીમાં આવી પહોંચ્યા. અહીં મંદિરમાં બાપજી-સ્વામીશ્રી પણ પરવારવા ગયા હતા. મંગળા આરતી થઈ ને પાછી વાતુંની રમઝટ શરૂ થઈ. કથાવાર્તા પત્યા પછી હરિભક્તો ખૂબ ભાવથી રસોઈ માટે સીધું લઈ આવ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી હરિભક્તોને અંગત લાભ આપી રહ્યા હતા.

     પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજીના થાળ બનાવવાની તૈયારી કરતા હતા. એ વખતે ગામના એક વડીલ વાળંદ બાપા બારણે આવીને ઊભા રહ્યા.

     તેમણે પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું, “સ્વામી, હું ગરીબ માણસ છું. સંતોને પાકી રસોઈ આપી શકું તેમ નથી. પણ મુઠ્ઠી ચોખા છે તો તેનો આપ સ્વીકાર કરશો ? આની રસોઈ બનાવી ઠાકોરજીને થાળ કરી મોટા સ્વામીને જમાડજો તો મારો ભાવ પૂરો થશે અને મને ખૂબ આનંદ થશે કે સંતોએ મારી રસોઈ સ્વીકારી.”

     હરિભક્તનો શુધ્ધ ભાવ અને નિષ્કામ ભક્તિ જોઈ પ.પૂ. સ્વામીશ્રી રાજી થઈ ગયા. તેમની પાસેથી એક મુઠ્ઠી ચોખા લઈ, સાફ કરી મગની દાળમાં ભેળવી તેમાંથી ખીચડી બનાવી.

     વ્હાલા હરિકૃષ્ણ મહારાજને થાળ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજી જમાડવા બિરાજ્યા. પીરસતી વખતે પ.પૂ. સ્વામીશ્રીએ ગરીબ વાળંદ હરિભક્તે આપેલ ચોખાની સેવાની વાત કરી. “બાપજી, ગામના એક ગરીબ વડીલ વાળંદ બાપા મુઠ્ઠી ચોખા ઠાકોરજીની રસોઈ માટે આપી ગયા હતા. તેમણે પ્રાર્થના કરી હતી કે, મોટા સ્વામીને જમાડજો. મારો ભાવ પૂરો થશે ને મને ખૂબ આનંદ થશે.”

     ગુરુવર્ય પ.પૂ. બાપજી હરિભક્તની નિષ્કામ ભક્તિથી રાજી થયા.

     એટલે એના બદલામાં તેમનું રૂડું કરવા પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી, “બાપજી, આ ભગતે આપની નિષ્કામભાવે સેવા કરી છે તો એમનું પૂરું કરો ને ! એમને આપ જે સુખમાં છો તે સુખમાં રાખી લો ને !”

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પણ વાળંદ હરિભક્તની નિષ્કામભાવની સેવા જોઈ રાજી થઈ ફદલમાં આશીર્વાદ વરસાવતાં કહ્યું, “જાવ, મહારાજને પ્રાર્થના કરીશું કે, હે મહારાજ, આ હરિભક્તને મુઠ્ઠી ચોખાના બદલામાં અક્ષરધામમાં તેડી જજો અને તમારી મૂર્તિનું ખૂબ સુખ આપજો.”

     એવા આશીર્વાદ આપી ગુરુવર્ય પ.પૂ. બાપજી તે દિવસે આગળ વિચરણમાં નીકળી ગયા.