જીવનપ્રાણ અબજીબાપાશ્રી

  • પ્રાગટ્ય: સંવત ૧૯૦૧, કારતક સુદએકાદશી, (પ્રબોધિની એકાદશી), સોમવાર, (તા.૨૦/૧૧/૧૮૪૪)
  • પ્રાગટ્ય સ્થળ: ગામ - બળદિયા (વૃષપુર), તાલુકો - ભુજ, જિલ્લો - કચ્છ, રાજ્ય - ગુજરાત, ભારત
  • માતાનું નામ: દેવુબા
  • પિતાનું નામ: પાંચાપિતા
  • કારણ સત્સંગની સ્થાપના: પરોક્ષપણાની માનીનાતા દૂર કરી પ્રત્યક્ષપણાની માનીનાતા દ્રઢ કરાવવા અબજીબાપાશ્રીએ કાર્ય અને કારણ આ બેની શુદ્ધ સમજણ આપી. સાધુ, આચાર્ય, બ્રહ્મચારી, મંદિર, દેશ, ગાદી આ બધું કાર્ય છે અને મહારાજની મૂર્તિ એ કારણ છે. એકમાત્ર મૂર્તિમાં જોડાવવા માટે અબજીબાપાશ્રીએ કારણ સત્સંગની સ્થાપના કરી.
  • સમજાવેલ સિધ્ધાંત: સંપ્રદાયમાં પ્રવર્તતી ઉપાસના અંગેની માનીનતાઓમાં શુદ્ધિકરણ કરી શ્રીજીસંમત સનાતન સિધ્ધાંત આપ્યો : “સ્વામિનારાયણ એક જ સનાતન ભગવાન છે અને તે અજોડ છે” તથા “અનાદિમુક્તની સ્થિતિ એજ શ્રેષ્ઠ અને અંતિમ સ્થિતિ છે.સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ લેવા માટે આ સ્થિતિને પામવી ફરજિયાત છે.”
  • કરેલાં મહત્ત્વનાં કાર્યો:
    1. ૧. તેઓએ સંપ્રદાયમાં પ્રવર્તેલી પરોક્ષભાવની ગેરસમજને દૂર કરી તથા ‘ભગવાન સ્વામિનારાયણ મૂર્તિરૂપે સદાય પ્રગટ છે’તે સમજણ આપી.
    2. ૨. તેઓએ શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથનાં ગૂઢાર્થભર્યા રહસ્યોને સમજાવ્યા.
    3. ૩. તેઓએ અન્વય-વ્યતિરેક સ્વરૂપનું જ્ઞાન સમજાવી સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સમજાવ્યા.
    4. ૪. તેઓએ અનાદિમુક્તની સ્થિતિને યથાર્થ સમજાવી તથા અનંતને એ સ્થિતિ પમાડી મૂર્તિના સુખભોક્તા કર્યા.
    5. ૫. તેઓએ સંતો-હરિભક્તોને પોતાના વર્તન દ્વારા ધર્મ-નિયમ તથા વર્તનની દ્રઢતા કરાવી.
    6. ૬. તેઓએ મોટા મોટા ૬ યજ્ઞોનુંઆયોજન કરી અનંતાનંત જીવોને આત્યંતિક કલ્યાણના મોક્ષભાગી કર્યા.
    7. ૭. તેઓએ પ્રતિલોમ ધ્યાનની સર્વશ્રેષ્ઠ લટક આપી જ્ઞાન-ધ્યાનના અખંડ અખાડા ચલાવ્યા.
    8. ૮. સત્સંગ મહાસભાની સ્થાપના કરી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને દેવની મિલકત-પ્રાસાદિક સ્થાનો કાયમી સમગ્ર સંપ્રદાયના સંતો-ભક્તોને સમર્પણ કરી દીધા.
    9. ૯. તેઓએ કારણ સત્સંગના સિદ્ધાંતોને ઉજાગર કરનાર ગુરુવર્ય પ. પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી (ગુરુવર્ય પ.પૂ. બાપજી)ના પ્રાગટ્યના આશીર્વાદ આપ્યા.
  • સંપ્રદાયમાં પ્રભાવ:
    1. ૧. અમદાવાદ દેશના આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ અને સમર્થ સદ્. ગુણાતીતાનંદ સ્વામી પણ સ્વયં બાપાશ્રીનો અપાર મહિમા સમજતા. આદિ આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ અને આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ પણ તેઓનો અપાર મહિમા સમજતા અને તેઓના સમાગમનો લાભ લેતા તેમજ બાપાશ્રી પાસેથી મૂર્તિસુખના આશીર્વાદ મેળવતા.
    2. ૨. અમદાવાદ, મૂળી, વડતાલ, ગઢડા, ભૂજ વગેરે મોટાં મોટાં ધામના ૫૦૦ સમર્થ સદ્ગુરુ સંતો બાપાશ્રીનો જોગ-સમાગમ કરવા માટે વર્ષમાં છ-છ મહિના બળદિયા જતા અને તેમના ખોળામાં માથું મૂકી, “બાપા ! અમારું પૂરું કરો.” એવા આશીર્વાદ માગતા અને બાપાશ્રી પણ રાજી થઈને જ્યાં આશીર્વાદ આપતા કે, “જાવ, તમારું પૂરું, પૂરું ને પૂરું...” ત્યાં ઝળળળ તેજના સમૂહમાં મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનાં દર્શન થતાં અને અખંડ મૂર્તિના સુખભોક્તા થઈ જતા.
    3. ૩. સાંપ્રદાયિક પ્રશ્નોના નિવારણ તેમજ મહત્ત્વના નિર્ણયો લેવા માટે આદિ આચાર્યશ્રીઓ તથા મોટા મોટા સંતો-હરિભક્તો પણ બાપાશ્રી પાસે બળદિયા આવતા.
    4. ૪. તેઓના દિવ્ય પ્રભાવથી સંપ્રદાયમાં સંતો-હરિભક્તો પોતપોતાના પંચવર્તમાન અને ધર્મ-નિયમમાં ખબડદાર થઈને વર્તતા. કોઈ પણ શ્રીજીમહારાજની અલ્પ સરીખી આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતા નહોતા એવો તેમનો આજ્ઞા પળાવવાનો આગ્રહ હતો.
    5. ૫. મંદિરોમાં મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિપ્રતિષ્ઠા કરવા માટે પણ તેઓ પધારતા અને તેઓના દિવ્ય હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવતી.
    6. ૬. તેઓ સંપ્રદાયમાં ‘સમાધિવાળા અબજીભાઈ’ તરીકે સુપ્રસિદ્ધ હતા. તેથી જ્યારે તેઓ સમાધિમાં ચાલ્યા જતા ત્યારે તેઓની એ અલૌકિક સ્થિતિનાં દર્શન કરવા માટે હજારો સંતો-હરિભક્તોનાં ટોળા ઊમટી પડતાં અને તેઓનાં દર્શન કરી અહોહોભાવમાં ડૂબી જતા.
    7. ૭. તેઓ મોટાં મોટાં યજ્ઞો કરતાં ત્યારે તે યજ્ઞમાં તેઓના ‘ફદલ’માં આત્યંતિક કલ્યાણના આશીર્વાદ મેળવવા માટે લાખો હરિભક્તો બળદિયા આવતા ને તેઓનાં દર્શન, સમાગમ અને આશીર્વાદનો લાભ લઈને મોક્ષભાગી થતા.
    8. ૮. તેઓના માટે સંપ્રદાયમાં એવી વાયકા સુપ્રસિદ્ધ હતી કે, “વર્તમાનકાળે શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ જોઈતું હોય તો જાવ બળદિયા અબજીબાપા પાસે”. આમ, તેઓ કેવળ શ્રીજીમહારાજની મૂર્તિના સુખની લહાણી કરનાર સ્વતઃસિદ્ધ મહાઅનાદિમુક્ત હતા.
    9. ૯. હજારો સંતો-હરિભક્તો તેઓના સમાગમનો લાભ લેવા બળદિયા જતા ત્યારે બળદિયાની સીમમાં પેસતાં જ સૌના ઘાટ-સંકલ્પો બંધ થઈ જતા. એવો તેઓનો દિવ્ય પ્રભાવ હતો.
  • અનુગામી: અંતર્ધાન થતા પૂર્વે સમગ્ર સત્સંગ સમાજને જ્ઞાન-સ્થિતિની દ્રઢતા કરાવવાની,ધર્મ-નિયમમાં વર્તાવવાની તથા મૂર્તિના સુખે સુખિયા રાખવાની જવાબદારી સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્. વૃંદાવનદાસજી સ્વામી તથા સદ્. મુનિસ્વામીને સોંપી હતી.
  • અંતર્ધાન: સંવત ૧૯૮૪, અષાઢ સુદ પાંચમ (તા.૨૩/૦૬/૧૯૨૮)
  • અંતર્ધાન સ્થળ: બળદિયા (વૃષપુર)
  • આલોકમાં દર્શન: ૮૪ વર્ષ, ૭ માસ, ૨૩ દિવસ (સંવત ૧૯૦૧, કારતક સુદ એકાદશીથી સંવત ૧૯૮૪, અષાઢ સુદ પાંચમ)