ગુરુદેવ પ.પૂ. બાપજી કાયમ જાહેર સભાઓમાં પોતાનો સંકલ્પ જણાવતાં કહેતા હોય છે કે, “કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે, થશે ને થશે જ...”

એ ન્યાયે સુરત શહેરમાં સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા એકસાથે બે બે મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ તા. 18થી 20 ડિસેમ્બર, 2015માં ઊજવાઈ ગયો.

વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સુરતમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા. સભામાં હજારોની સંખ્યા હતી.

તે સમયે ગુરુદેવ પ.પૂ. બાપજીએ અતિશે રાજીપા સાથે આશીર્વાદની લહાણી કરી,

“હે મહારાજ ! આપે જ કહેલું છે કે, અનંતકોટિ બ્રહ્માંડમાં મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય તો બીજા કોઈનીય પાસે ચપટી પણ પાવર નથી. સુરત શહેરમાં કારણ સત્સંગનું બીજું મંદિરનિર્માણ થયું છે. એટલે મહારાજને પ્રાર્થના કરીએ કે દયાળુ ભેળા ભળજો. ભગવાનનું સ્વરૂપ ઓળખાય ને તો આ ભગવાન મળ્યા ત્યારથી મારું પરિપૂર્ણ કલ્યાણ થઈ ગયું છે. અને મારો સ્પર્શ થાય, દર્શન થાય, વાયરો ભટકાય એનું પણ કલ્યાણ ન થાય તો આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા શું કામનું ? એવી જીવમાંથી હા પડી જાય કેમ કે, આ કારણ સત્સંગ રોકડો વેપાર છે, વાયદાનો વેપાર નથી. અહીંયાં મર્યા પછી કલ્યાણ નથી; અહીંયાં તો છતે દેહે મૂર્તિની પ્રાપ્તિનો વેપાર છે. અને આ એસ.એમ.વી.એસ.નું નામ બોલે કે સાંભળે તેમને પણ મહારાજ ખેંચે અને છેલ્લો જન્મ કરે અને હજુ જોજો તો ખરા મુક્તો, આ સુરત શહેરમાં કારણ સત્સંગના ડંકા વાગશે અને આ કારણ સત્સંગ ખૂબ વધશે...”

આમ, વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીએ પ્રતિષ્ઠામાં આશીર્વાદની લહાણી કરી સૌને છેલ્લો જન્મ કરવાના કોલ આપી દીધા.