ઈ.સ. ૨૦૧૪માં દિવાળી પહેલાં સુરેન્દ્રનગરના જશુભાઈ ઠક્કર (ગૉળવાળા) અને તેમનાં ધર્મપત્ની અન્ય બે પરિવારો સાથે ઉત્તર ભારત તરફ યાત્રાએ ગયેલા. યાત્રા દરમ્યાન એક દિવસ રાત્રે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમાં પુરુષો અને મહિલાઓ ટ્રેનમાં અલગ અલગ વિભાગમાં બેઠા હતા. ટ્રેનમાં મુસાફરી દરમ્યાન તે પ્રદેશની પાતળી હવા હોવાથી જશુભાઈને રાત્રે ૨:૦૦ વાગ્યે અચાનક શ્વાસની ભયંકર તકલીફ શરૂ થઈ ગઈ. તેમને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડવા લાગી. તેમનાથી આ વ્યથા સહન થઈ શકતી નહોતી. તે સમયે તેમનાં ધર્મપત્ની તેમની સાથે નહોતા. તેથી તેમણે કોઈને જગાડ્યા નહીં. તેમની પાસે આ તકલીફને સહન કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. તેમની આ તકલીફને જોતાં તો તેમને એમ થયું કે, ‘હવે હું બચી નહિ શકું, નક્કી દેહ પડી જશે.’ તેઓ મૂંઝવણમાં ઊંડા ઊતરી ગયા. શું કરવું અને કેમ કરવું તે કાંઈ તેમને સૂઝતું નહોતું. તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીને ખૂબ આર્તભાવે યાદ કર્યા.અને તે જ ક્ષણે પોતાના ઇષ્ટદેવ શ્રીજીમહારાજ સંગે પ.પૂ. સ્વામીશ્રીએ તેમને દિવ્ય રૂપે દર્શન આપ્યા. તેઓ તો વસમી વેળાએ મહારાજ અને મોટાપુરુષનાં દર્શન થતાં અતિશે આનંદિત થઈ ગયા અને અહોભાવ સાથે વંદી રહ્યા.

ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ તેમને કહ્યું કે, “હાલ, તને અમે તેડવા આવ્યા છીએ.”

           આટલું કહ્યું ત્યાં તો જશુભાઈ દીનવચને પ્રાર્થના કરવા લાગ્યા કે, “દયાળુ, હજુ થોડો સમય મને આ લોકમાં રહેવા દો તો સારું. હું અત્યારે યાત્રાએ નીકળ્યો છું અને તમે મને અત્યારે જ આ રીતે મૂર્તિના સુખમાં લઈ જશો તો મારા દીકરાને એમ થશે કે મારા પિતા યાત્રાએ ગયા એ ગયા પછી પાછા જ ન આવ્યા. માટે મને હમણાં આ લોકમાં રાખો તો બહુ સારું.”

      તેમની આ પ્રાર્થના સાંભળતાં જ મહારાજ, પ.પૂ. સ્વામીશ્રીએ તેમના પૂર્ણ થઈ ગયેલ આયુષ્યમાં વધારો કરી આપ્યો અને તેમને આશીર્વાદ આપી તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. આ બાજુ જશુભાઈને મહારાજ અને મોટાપુરુષના આશીર્વાદ મળતાં જ શ્વાસની તકલીફ બિલકુલ બંધ જ થઈ ગઈ અને સંપૂર્ણ રીતે સ્વસ્થ બની ગયા. જશુભાઈના હૈયામાં નવું જીવનદાન મળતાં આનંદ સમાતો નહોતો. સવાર પડતાં તેમનાં ધર્મપત્ની તેમની પાસે આવ્યાં અને તેમની તબિયત બાબતે પૂછતાછ કરી ત્યારે તેમણે રાત્રે બનેલી ઘટનાની જાણ કરી. તે સાંભળી તેમનાં ધર્મપત્નીને પણ પ.પૂ. સ્વામીશ્રીની પરભાવની અપાર દિવ્યતા-મોટપ અને અનહદ કરુણાનું દર્શન થતાં અતિ આનંદ થયો.

 જશુભાઈને આયુષ્ય ન હોવા છતાં તેમને નવું આયુષ્ય આપીને દેહની બધી જ તકલીફોથી મુક્ત કરીને તેમને આ લોકમાં રાખી પ.પૂ. સ્વામીશ્રીએ તેઓની પરભાવની દિવ્ય પ્રતિભા અને મહિમાનું અદ્‌ભુત દર્શન કરાવ્યું કે જેને નિહાળતાં, અનુભવતાં તેમની દિવ્યતામાં સહેજે સહેજે ગરકાવ બની જવાય.