એક દિવસ શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ સવાર થઈ પાંચ-સાત પાર્ષદોને લઈને ચાલ્યા. તે બજારે થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા ને હાલ બળદ બાંધવાની ગમાણ છે ત્યાં ઘોડીએથી ઊતરીને ચાલ્યા તે ઓટે પધાર્યા.

      ત્યાં ઘડીવાર બેસીને ત્યાંથી ચાલ્યા તે મંદિરેથી થોડેક છેટે વાયવ્ય ખૂણામાં એક આંબો હતો તેની તળે ઉગમણો આથમણો ઢોલિયો બીછાવી તે ઉપર દક્ષિણાદે મુખારવિંદે બિરાજમાન થયા. ત્યાં સદ્. સિદ્ધાનંદ સ્વામી અને સદ્. સંતોષાનંદ સ્વામી આવી શ્રીજીમહારાજને પગે લાગીને બેઠા.

     ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “સદ્. સર્વેશ્વરાનંદ સ્વામીને બોલાવો.”

     ત્યારે સદ્. સંતોષાનંદ સ્વામી બોલાવી લાવ્યા. તે આવીને છેટે ઊભા રહ્યા.

     તેમને શ્રીજીમહારાજે કહ્યું, “ઓરા આવો.” એટલે તે સમીપે આવ્યા.

     ત્યારે તેમની સામું જોઈને શ્રીજીમહારાજે કહ્યું, “તમને કેમ થાય છે ?” ત્યારે તેઓએ કહ્યું, “હાથ-પગનાં તળાં અને આંખ્યો ખૂબ બળે છે.”  

     તેમને શ્રીજીમહારાજે જોઈને કહ્યું, “તમને પિત્તનો રોગ જણાય છે તે ક્રિયમાણનો હશે તો મટશે ને પ્રારબ્ધનો હશે તો મટશે નહીં. વળી, તમને તો કાને પણ સોજા ચડ્યા છે.”

     ત્યારે સ્વામીએ કહ્યું, “મહારાજ ! કાંઈક ઔષધ બતાવો.”

     ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “નદીમાંથી શેવાળ લાવી હાથ-પગના તળિયાં ઉપર રાખો ને નાભિ ઉપર રાખો ને માથા ઉપર બાંધો.” પછી તેઓ દર્શન કરીને ઉતારે પધાર્યા.

     આમ, શ્રીજીમહારાજે સદ્. સર્વેશ્વરાનંદ સ્વામીને પિત્તનું ઔષધ બતાવી, સ્વામીનું જતન કર્યું. શ્રી હરિચરિત્ર ચિંતામણિ – 2/89