શ્રીજીમહારાજ જ્યારે કારેલી થઈ, સુરત પધારવાના હતા ત્યારે અરદેશર કોટવાલે શ્રીજીમહારાજને પોતાના ઘરે પધારવા પ્રાર્થના કરી હતી. એટલે શ્રીજીમહારાજ તથા મોટેરા સદગુરુઓ અને મુનિબાવા સહિત મહારાજ ત્યાં પધાર્યા ને સંતો વિચરણ અર્થે આગળ પધાર્યા. એક સમયે મહાનુભાવાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું : “હે મહારાજ ! આવા પ્રસંગે તો સંતોનો સમૂહ હોય તો જ પ્રસંગ શોભે. સુરત જેવું મોટું શહેર, ત્યાંના અરદેશર કોટવાલ મોટા રાજકીય પુરુષ, ત્યાં તો આપણે દબદબાથી જવું જોઈએ.”

     શ્રીજીમહારાજ તેમની વાત સાંભળી, સમર્થન આપતા બોલ્યા : “તમે એકે જ આ કહ્યું, બીજા કોઈ મોટેરા સદ્‌ગુરુ બોલ્યા જ નહીં અને આ મુનિબાવા તેડવા આવ્યા છે તેમણે પણ આગ્રહ ન કર્યો. અમને તો સંત વિના નિદ્રા જ નથી આવતી.”

     શ્રીજીમહારાજની વાત સાંભળી મોટેરા સદ્‌ગુરુઓને પોતાની ભૂલ સમજાઈ અને મુનિબાવાને પણ ખૂબ દુઃખ થયું. તેથી તેઓ હાથ જોડી બોલ્યા, “મહારાજ ! અમને એમ કે આપની મરજી સંતોને સાથે રાખવાની નહીં હોય.”

     શ્રીજીમહારાજ આ સાંભળી હસતાં હસતાં બોલ્યા, “તમે ભેગા રહો તો અમારી મરજી યથાર્થ જણાશે. આ મહાનુભાવાનંદ કેમ સમજી ગયા ?” આ સાંભળી મુનિબાવા અચાનક બોલ્યા, “મહારાજ ! ઘોડા ઉપર પાર્ષદોને ઝટ મોકલો અને આપણા સંતોને પાછા બોલાવો.” શ્રીજીમહારાજે પાર્ષદોને મોકલ્યા અને કહેવડાવ્યું, “જે માર્ગે અવાય તે માર્ગે અમારા સંતો અમને સુરતમાં જલ્દી મળે.”

     આમ, શ્રીજીમહારાજે સંતોને નિરંતર ભેળા રાખી પોતાનું સંત વત્સલ બિરુદ સાર્થક કર્યું.