શ્રીજીમહારાજ સુરત પધાર્યા હતા. અને અહીંના હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા શ્રીજીમહારાજ એમના ઘરે પધારતા અને એમની ભેટો સ્વીકારી સૌને સુખ આપતા હતા. એક દિન શ્રીજીમહારાજ મિ. એન્ડરસન શેઠ, ભિખારીદાસ, પુરુષોત્તમ શેઠ અને અંબારામ મહેતાને ત્યાં થઈ પોતાના ઉતારે પધાર્યા હતા.

શ્રીજીમહારાજ ઉતારે આવી સીધા બંગલાને મેડે પોતાના આસને પધારી ગયા. પરંતુ શ્રીજીમહારાજના આ ઉતારાની ભીંતે કોઈક તેજો દ્વેષીએ નિંદાત્મક શબ્દવાળો કાગળ ચોડ્યો હતો. અરદેશર શેઠની નજર તે કાગળ પર પડી, તેમણે તરત તે ઉખેડી નાખ્યો. તેઓ તરત જ શ્રીજીમહારાજ પાસે આવ્યા. શ્રીજીમહારાજ વિષે નિંદાત્મક શબ્દો વાંચી અરદેશર શેઠ કાળઝાળ થઈ ગયા. પરંતુ શ્રીજીમહારાજ તે પત્ર વાંચી, હસતાં હસતાં બોલ્યા, “દુષ્ટજનો હંમેશાં પોતાની દુષ્ટતા છોડી શકતા નથી. પરંતુ એથી અમે જે ધર્મનું સ્થાપન કરવા પ્રગટ્યા છીએ તેમાં, કાંઈ વિઘ્ન આવવાનું નથી. ઊલટું, દ્વેષીઓ જ પોતાના આવા સ્વભાવથી તેમનું પોતાનું ભૂડું કરી રહ્યા છે. અમારા સંકલ્પોને આ બ્રહ્માંડમાં કોઈ રોકી શકે તેમ નથી. માટે શેઠ તમે અકળાશો નહીં.”

પરંતુ અરદેશરે તો તેમના સિપાઈઓને આજ્ઞા કરતાં કહ્યું, “ગમે તેમ કરી એ દુષ્ટને પકડીને મારી પાસે તત્કાળ લાવો.”

શ્રીજીમહારાજે ધીરજ આપતાં અરદેશરને કહ્યું : “શેઠ ! અમારે કોઈ શત્રુ નથી ! પણ અજ્ઞાની દ્વેષને લઈ અમને શત્રુ માને છે. શેઠ, જેમ જેમ અમારો યથાર્થ મહિમા પ્રવર્તેશે, તેમ અમારો વિરોધ વધશે. અમારી વાત કોઈને રુચતી નથી. તેમાં પણ અમારા સર્વોપરી સ્વરૂપની નિષ્ઠાની વાતો જ્યારે પ્રસરશે, ત્યારે વિરોધના વંટોળ ઊભા થશે. માટે શેઠ ! આવું તો અનાદિ કાળથી ચાલતું જ આવ્યું છે. માટે આપણે તેમાં અકળાવું નહિ પણ ધીરજ રાખવી...”

શ્રીજીમહારાજના શબ્દોથી અરદેશર શેઠજી થોડાં શાંત થયા. તેઓ શ્રીજીમહારાજની અજાત શત્રુતાનાં દર્શન કરી, અહોભાવે શ્રીજીમહારાજનું દર્શન કરતાં રહ્યાં.