એક સમયે શ્રીજીમહારાજ ગઢપુરના મંદિરમાં ચાકળા પર બારણાં વચ્ચે બિરાજ્યા હતા.

ત્યારે એક તાંસળી સાકરના પાણીની મગાવી અને બીજી કડવા લીમડાના પાણીની મગાવી. બંનેમાં આંગળી ફેરવતા હતા.

ત્યારે સદ્. મુક્તાનંદ સ્વામી શ્રીહરિની નવીનતમ ચેષ્ટાનાં દર્શન કરતા હતા.

“સ્વામી ! સાકર સારી કે લીમડો ?” મહારાજે પૂછ્યું.

“મહારાજ, સાકર સારી.”

“એ તો જેને કોઈ રોગ ન હોય તેના માટે સાકર સારી; નહિ તો રોગી માટે તો લીમડો જ સારો ને ! એમ જેને પંચવિષયનો રોગ લાગુ પડ્યો હોય તેને કઠણ વચનરૂપ લીમડો સારો ! ”

આટલું કહી સદ્. નિષ્કુળાનંદ સ્વામી રચિત ચોસઠપદીનું પદ બોલવા લાગ્યા,

“કઠણ વચન કહું છું રે કડવા કાંકરયરુપ,

દરદીને ગોળી દઉં છું રે સુખ થાવા અનુપ.”

આમ, શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા પણ અર્થસભર હોય છે.