તા. ૨૦-૧૨- ૨૦૧૮ ને ગુરુવારથી પ્રિ-મુમુક્ષુ બેચનો કેમ્પ ચાલુ થયો હતો. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સવારે ૬:૧૫ વાગ્યાથી સભામાં લાભ આપવા માટે કેમ્પ દરમ્યાન દરરોજ પધારતા હતા.

સવારે ૬:૧૫થી ૭:૩૦ દરમ્યાન આ સેશનમાં ધ્યાનચિંતનનો લાભ મળતો હતો. આ સેશન પૂર્ણ થયા બાદ ૭:૪૫થી ૮:૧૫ એમ અડધો કલાક અલ્પાહાર માટે રિસેસ રાખવામાં આવતી હતી.

તા. ૧૯/૧૨/૨૦૧૮ના રોજ એકાદશી હોવાથી બીજા દિવસે પારણામાં વઘારેલી ખીચડી તથા થેપલાં બનાવેલાં હતાં. પ.પૂ. સ્વામીશ્રી પ્રથમ સેશન પૂર્ણ કરી ૭:૪૫ વાગ્યે અલ્પાહાર કરવા માટે રસોડામાં પધાર્યા.

ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ નિત્યક્રમ મુજબ પહેલાં રસોડાના પ્લેટફોર્મ પર કે નીચેના ખાનાઓમાં તપાસ કરી કે કંઈ ટાઢી વસ્તુ તો નથી પડી ને ! પ.પૂ. સ્વામીશ્રીએ પ્લેટફોર્મ તથા કબાટ જોયા. પરંતુ કંઈ ન હતું.

પ.પૂ. સ્વામીશ્રી માટે પૂ. સંતોએ બાજુમાં એક ડીશ તૈયાર કરેલી. પરંતુ પ.પૂ. સ્વામીશ્રી પૂ. સંતો નીચે બેસી જમાડતા હતા તે બાજુ પધાર્યા અને કોઈને કહ્યા વગર જાતે નીચે નમી કુકરમાંથી નીચે ચોંટેલી ખીચડી કાઢવા લાગ્યા અને તે હસ્તમાં લઈ પત્તરમાં મૂકી દીધી. તે વખતે રસોડામાં ઘણા સંતો હાજર હતા.

પ.પૂ. સ્વામીશ્રીની આ રીત જોઈ કોઈ બોલી ન શક્યું. અંતે સંતોએ પ્રાર્થના પણ કરી પણ પ.પૂ. સ્વામીશ્રીએ કુકરમાં ચોંટેલી ખીચડી જમાડી. તે પૂર્ણ થતાં બીજી વખતે નવી ખીચડી ગ્રહણ કરી.

આમ, આપણને સૌને પ.પૂ. સ્વામીશ્રીએ નિઃસ્વાદીપણાની શ્રેષ્ઠ રીત શીખવાડી.