એક દિવસ શ્રીહરિ દાદાના દરબારમાં બિરાજ્યા હતા. ત્યારે ઝીણાભાઈ મહારાજનો સમાગમ કરવા આવ્યા ત્યારે મહારાજે કહ્યું,

    “તમારા ગામમાં ઝાઝા રૂપિયા તથા ઘરેણાં રાખવાં નહીં.”

    “પાળાને લેવા મોકલો.” ઝીણાભાઈએ કહ્યું.

    “સારું, આઠ પાળાને ગાડું જોડાવી ઝીણાભાઈને ગામ મોકલો.” મહારાજે ભગુજીને બોલાવી કહ્યું. અને ઝીણાભાઈને કહ્યું, “તમે લાધા ઠક્કર પાસે કાગળ લખાવો.” પછી એ પ્રમાણે થયું.

   અને ઝીણાભાઈએ બધા રૂપિયા તથા ઘરેણાં મહારાજને આપ્યા. પછી મહારાજે દાદાખાચરને ઘેર પૈસા ને ઘરેણાં મૂકાવ્યાં.

  થોડા દિવસ પછી પંચાળામાં ધાડું પડ્યાના સમાચાર મળ્યા. પછી મહારાજે ઝીણાભાઈને તેડાવીને કાગળ વંચાવ્યો ને સોમલાખાચર આદિ પચ્ચીસ અસવાર ઝીણાભાઈ ભેગા મોકલ્યા.

  પછી મહારાજે સભામાં પધારી સૌ સંતો-ભક્તોને કહ્યું,

   “પંચાળામાં ધાડું પડ્યું, તે અમે પાળા મોકલીને રૂપિયા તથા ઘરેણાં તો અગાઉથી આંહીં મગાવી લીધાં હતાં.”

  ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે,

 “હે મહારાજ ! તમે રામાનંદ સ્વામી પાસે જે બે વર માગ્યા હતા તે સત્ય કરો છો.

 તમારા ભક્તની વ્યવહારમાં રક્ષા કરો છો ને અંતકાળે પણ તમારા ધામની પ્રાપ્તિ કરાવી મૂર્તિનું સુખ આપો છો. આપનું ‘દયાળુ’ એવું નામ સાર્થક કરો છો.”