વાત્રક નદીના કાંઠે સલુજીની મુવાડી ગામના હીરાજી ઠાકોર.

     ઘનશ્યામનગર મંદિરની બાજુના વિસ્તારમાં રહેતા. તેઓ દારૂના ચુસ્ત વ્યસની હતા.

     એક વાર મંદિરના સમૈયા પ્રસંગે ગુરુવર્ય પ.પૂ. બાપજીના યોગમાં આવ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એમના પર કરુણા વરસાવતાં પૂછ્યું, “વ્યસન છે કંઈ તમારે ?”

      ગુરુવર્ય પ.પૂ. બાપજીથી તેઓ પ્રભાવિત હતા. એમને ગુરુવર્ય પ.પૂ. બાપજીની સાધુતા અને દિવ્યતાએ ખેંચ્યા હતા.

     એટલે તેઓ બોલ્યા: “સ્વામી, હું પાપી છું... આપને ને ભગવાનને ગમે એવું મારું જીવન નથી... હું બહુ દારૂ પીઉં છું...”

      “હીરાજી, તમે અમારા યોગમાં આવ્યા છો એટલે તમારો દારૂ પીવાનો ધંધો છોડવો પડશે... તમે દારૂ ના છોડો તો અમારા પર સ્વામિનારાયણ ભગવાન રાજી ના થાય... માટે તમે દૃઢ સંકલ્પ કરો...”

     “સ્વામી, રોજ આખો દા’ ડો પીઉં છું તો એક ઝાટકે કેવી રીતે છૂટી જાય...?”

     “એ તો છૂટી જાય તમારે છોડવું હોય તો...”

      “હેં સ્વામી... તમે સાચું કહો છો...?”

      “હા, જેમ આ માળા અમે પકડી રાખી છે; અમારે એને છોડવી હોય તો છૂટી.... જો આ છોડી...”

      “સ્વામી, આમ સાવ સહેલું છે...! તો આજથી મૂક્યો દારૂ.”

      “હીરાજી, બસ હવે તમે આજથી છોડ્યું એટલે એના વિષે વિચારવાનું નહિ અને દારૂડિયાનો સંગ નહિ કરવાનો...”

 “ભલે સ્વામી.... કોઈનો સંગ નહિ રાખું...”

આટલું સાંભળતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “હીરાજી, દારૂ મૂકો તેમાં ભગવાનનું બળ રાખજો. આપણા બળથી તો કાંઈ થાય તેમ નથી. ભગવાનનું બળ હશે તો જ મક્કમ રહેવાશે ને ભગવાનને પ્રાર્થના કર્યા કરશો તો ખટકો રહેશે. માટે એમ અવશ્ય કરજો.”

આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મુમુક્ષુને સરળ ઉપાય આપીને પણ નિર્વ્યસની કર્યા છે....