“આ બટાકું પચાસ ટકા સારું છે... કોણ સમારે છે ?”

     “બાપજી, મેં સમાર્યું છે.” પૂનમની શાક સમારવાની સમિતિના એક સ્વયંસેવક બોલ્યા.

     “મુક્તરાજ, કોઈ પણ બટાકું આખું બગડેલ ન હોય; તેને બે-ત્રણ રીતે સમારીને જોઈ લેવું એટલે ખ્યાલ આવી જાય. આ તો સેવાને બદલે અસેવા થઈ કહેવાય.”

     આમ કહીને એ દિવ્યપુરુષ બગડેલ બટાકાના વકલની બાજુમાં ઊભડક સ્થિતિએ બેસી ગયા.

     બે-ત્રણ બટાકાઓ તેમણે સમાર્યાં.

     અને તેમણે સ્વયંસેવકને શિખવાડ્યું - બટાકા આ રીતે સમારાય.

     “જો, આ બટાકું પંચોતેર ટકા ખરાબ હતું. પણ તેમાંથી ૨૫ ટકા બરાબર નીકળ્યું. આપણે થોડું ખરાબ હોય એટલે એને કચરામાં જવા દઈએ પણ એમ ના કરાય. આપણે બાપાશ્રીના બચ્ચા છીએ. બાપા કહેતા કે, ‘કોઈમાં હજાર અવગુણ હોય તોપણ એક ગુણ તો હોય.’ એમ સાવ ખરાબ બટાકામાં 10 ટકા બટાકું તો સારું હોય જ. માટે હંમેશાં બગડેલામાંથી સારું પકડતા શીખીએ...”

     સ્વયંસેવકો ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ રીતિ નિહાળી શીખવા આતુર થઈ ઊઠ્યા.

     આમ તેઓ બગડેલ બટાકામાંથી સારો ભાગ કઢાવી પછી જ આસને પધારતા.

     અવરભાવની 80 વર્ષની વય સુધી તેઓનો પૂનમ દરમ્યાન આ કાયમી ક્રમ અકબંધ રહ્યો હતો.