ઈ.સ. 2018, એપ્રિલમાં એક વાર વાસણા વિસ્તારના મયૂરભાઈ ગણાત્રાનો દીકરો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદે આવ્યો.

     “ઊર્વિલ છે આ...?” હસ્તના નેજવા કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને પૂછ્યું.

     “હા બાપજી...”

     “દયાળુ, આપની અનુમતિ લેવી છે...”

     “બોલો...”

     “બાપજી, મનિષભાઈ ઠક્કર પાસેથી હું વિઝા કન્સલ્ટિંગનું શીખી ગયો છું તો હવે મારી ઑફિસ કરું છું. આપ ભેળા ભળજો...”

     “અમે શ્રીજીમહારાજને પ્રાર્થના કરીશું કે તેઓ તમારી ભેળા રહેશે; પણ તમે કેટલુંક ધ્યાનમાં રાખજો...”

     “શું બાપજી ?” ઊર્વિલભાઈ હાથ જોડી દીનભાવે બોલ્યા.

     “તમે જે ધંધો કરવાનો છો તેમાં નીતિ રાખજો... ક્યારેય કોઈની સાથે ખોટું ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ ચોખ્ખો 10% ધર્માદો કાઢજો. યુવક સભા, જ્ઞાનસભા તથા સેન્ટરની બધી સભાઓ ભરજો... આટલું ખાસ ધ્યાનમાં રાખજો...”

     ગુરુવર્ય પ.પૂ. બાપજી અનીતિ અને બેઈમાનીથી બચાવવા કાયમી ઉપાય તરીકે, શ્રીજીમહારાજની આજ્ઞા મુજબ ધનશુદ્ધિ માટે ધર્માદાની આજ્ઞા પાળવાનું જણાવતા હોય છે, જ્યારે મન અને તનની શુદ્ધિ માટે સંત સમાગમનો લાભ લેવાનું અચૂક જણાવતા હોય. એમની દૃષ્ટિ આત્માની શુદ્ધિ સામે જ હોય છે.

     ઘણી વાર ગુરુવર્ય પ.પૂ. બાપજી સત્સંગ સભામાં જણાવતા હોય છે :

     “આજના વાતાવરણમાં વ્યક્તિએ નીતિના માર્ગે ચાલવું ઘણું કઠણ છે. કારણ, ચારે તરફ અનીતિનું જ વધુ પ્રવર્તન છે. સ્વાર્થને લઈ એકબીજા સાથે કપટ કરવું અને ખોટું કરવું એ તો સાવ સામાન્ય થઈ ગયું છે. કોઈને ભરોસો રહ્યો નથી. નર્યું કપટ ને દંભયુક્ત જ આચરણ છે. ત્યારે એમાંથી બચવું એ શ્રીજીમહારાજની અને મોટાપુરુષની કૃપાનું પરિણામ છે. મોટાની સતત કૃપાદૃષ્ટિથી જીવાત્મા ખોટા માર્ગથી પાછો વળે છે. માટે જીવનમાં સાચા સંતનો સમાગમ કરવો. એ સર્વે રીતે ચોખ્ખા રાખશે... રખાવશે... બાકી કોલસાની ખાણ જેવા આજના યુગમાં ડાઘ પડ્યા વગરનું જીવન જીવવું એ દુશકર (દુષ્કર) છે...”