એક સમય મહારાજ વિચરણ કરતાં કરતાં ઓઝાકુઈ આવ્યા. ત્યાં ખીજડો હતો ત્યાં વિસામો લેવા બિરાજ્યા.

     ગરમીને કારણે સંતોએ ખીજડા ઊપર પોતાની ચાદરો ભીની કરીને નાખી અને તેને છાંયે મહારાજને બિરાજમાન થયા.

     મહારાજ થોડી વારે લઘુશંકા કરવા પધાર્યા ત્યાં મહારાજના ચરણ તાપથી દાઝવા લાગ્યા.

     “અરેરે... આવા પગ બળણામાં મારા સંતો ઉઘાડે પગે ચાલે છે !”

     આમ, મહારાજ દુ:ખી વદને બોલતાં બોલતાં પોતાની પછેડી ફાડી ફાડીને સંતને પગે બાંધવા લાગ્યા.

     “મહારાજ, આ શું કરો છો ?” આશ્ચર્યવત્ સુરાખાચર અને સોમલાખાચરે પૂછ્યું.

     “શુ જોઈ રહ્યા છો ? આ સંતોના ચરણ તાપથી બળે છે માટે તમે પણ સંતોની સેવા કરો.”

     પછી સુરોખાચર તથા સોમલાખાચર તથા પાર્ષદો પોતાના વસ્ત્ર ફાડીને સંતોના ચરણે બાંધવા લાગ્યા.

     મહારાજ તો દિલના દરિયાવ છે. પોતાના અતિ વ્હાલા સંતોનું દેહનું દુઃખ પણ કેમ જોઈ શકે ? અને સંતોને સુખ થાય તે માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય.