તા. ૯/૪/૨૦૦૭ ને સોમવારે ઘનશ્યામનગર મંદિરનો 33મો વાર્ષિક પાટોત્સવ હતો.

ગુરુવર્ય પ.પૂ. બાપજી પાટોત્સવ પ્રસંગે સૌને સુખિયા કરવા પધાર્યા હતા.

સભાની પૂર્ણાહુતિ સમયે જાહેરાત થઈ.

“એક્યુપ્રેશરના ડૉક્ટર દ્વારા વિના મૂલ્યે કેમ્પ રાખવામાં આવ્યો છે. ગમે તેવો શરીરનો દુખાવો હોય પણ ડૉક્ટર સારા છે. બધાયને સારું થઈ જાય છે.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આ જાહેરાત સાંભળીને તરત જ કહ્યું,

“શ્રીજીમહારાજના સૌ આશ્રિત માટે કર્તા-હર્તા તો એક મહારાજ જ છે. સત્સંગીને જે સુખ-દુઃખ આવે છે એ મહારાજની ઇચ્છાથી આવે છે. મહારાજ આપણી કસર ટાળી ચોખ્ખા કરવા દુઃખ આપે છે. દવા લીધી અને બીમારી મટી તો એ મહારાજે મટાડ્યું... ડૉકટર અને દવા તો નિમિત્ત છે. તેનો ભાર ન રહેવો જોઈએ... કર્તાપણું મહારાજનું દૃઢ કરવું.”

આમ, મહારાજનું કર્તાપણું દૃઢ કરાવી, અવરભાવ-પરભાવના દુઃખમાંથી ઉગારવા સૌને સહેલો અને સરળ રાહ દેખાડી ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌના સાચા ડૉક્ટર બની રહ્યા.