એક વખત ગણેશજી શેઠ શ્રીજીમહારાજનાં દર્શન-સમાગમ માટે ગઢપુર આવ્યા. તેમને સભામાં બેઠા બેઠા મનમાં સંકલ્પ થયો કે, ‘મારે એકેય દીકરો નથી; મહારાજ મારા પર રાજી થાય તો મને દીકરો આપે.’

     શ્રીજીમહારાજ અંતર્યામીપણે તેમના સંકલ્પને જાણી ગયા. સભામાં સદ્. મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને કહ્યું કે,

     “સ્વામી, લોકોને એમ ઇચ્છા રહ્યા કરે છે કે દીકરો હોય તો ઠીક, તે દીકરો શું કરી દે ?” શ્રીહરિએ વળી સભાને સંબોધતાં કહ્યું :

     “ગરીબ માણસ હોય તો એને એમ થાય કે દીકરો હોય તો વૃદ્ધાવસ્થામાં પાળે, પોષે ને સેવા કરે પણ શાહુકાર માણસ હોય તેને તો સેવાના કરનારા નોકર-ચાકર હોય; તે જેટલા જોઈએ તેટલા નોકર રાખીને સેવા કરાવી શકે તો પછી દીકરાનો મોહ શા માટે રાખવો જોઈએ ? કેમ ગણેશજી શેઠ મનમાં દીકરાનો સંકલ્પ થાય છે ને !”

     ગણેશજી શેઠે બે હાથ જોડી મહારાજને કહ્યું,

     “હા મહારાજ, સંસારી છીએ એટલે દીકરાનો સંકલ્પ રહે છે.”

     ત્યારે મહાપ્રભુ કરુણા કરીને બોલ્યા,

     “તમને નાશવંત દીકરો આપીએ કે શાશ્વત દીકરો આપીએ ?”

     “મહારાજ આપની જેમ મરજી હોય તેમ.”

     મહાપ્રભુએ પૂજામાંથી મૂર્તિ મગાવી અને શેઠને આપી કહ્યું,

     “લો, આ તમારો દીકરો, તમારો વારસો આમને સોંપજો. અમારા ભાવથી સેવા કરજો.”

     શેઠ શાનમાં સમજી ગયા અને મૂર્તિ લઈ લીધી ને દીકરાની ઇચ્છા મૂકી દીધી.