તા. 14/3/2017 ને મંગળવારની વાત છે.

     એ સમયમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનું ગોધર ખાતે વિચરણ ચાલી રહ્યું હતું.

     ફતેહપુરા એક પ્રોગ્રામ હોવાથી બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ પ.પૂ.સ્વામીશ્રી ફતેહપુરા જવા નીકળ્યા.

    અંતર વધુ કાપવાનું હતું. પ.પૂ. સ્વામીશ્રી તેઓની કાયમી રીત મુજબ ગાડીમાં ક્યારેય પોઢે જ નહીં. સતત કલાકોના કલાકો સુધી પોતાની સેવા કર્યા જ કરે.

     આજે પણ તેઓ પોતાની સેવામાં વ્યસ્ત હતા. અચાનક તેઓએ પાછળ બેઠેલા સંતને પૂછ્યું,

     “સ્વામી, ઠાકોરજી હજુ જાગે છે ?”

     “હા, દયાળુ.” સંત બોલ્યા.

     “ઠાકોરજીને ગાડીમાં જ પોઢાડી દો, ફતેહપુરા આવતા હજુ સમય લાગશે.”

     ‘ભલે... દયાળુ’કહી પેલા સંતે ઠાકોરજીને પોઢાડી દીધા. પરંતુ ગાડીમાં બેઠેલા સૌ વિચારતા રહી ગયા કે, ‘સ્વામીશ્રી આટલા બધા વ્યસ્ત હોવા છતાં ઠાકોરજીની કેટલી પળે પળની ચિંતા રાખે છે !’

      હજુ થોડી વાર થઈ હશે ત્યાં અચાનક ગાડીમાં ચાલી રહેલું A.C. બંધ થઈ ગયું. ડ્રાઇવરે પ્રયત્ન કર્યો છતાં નિષ્ફળ રહ્યા.

    ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ.પૂ. સ્વામીશ્રીએ સેવક સંતને કહ્યું, “સ્વામી... ઠાકોરજી પોઢેલા છે, ઠાકોરજીને ગરમી લાગશે; માટે પૂ. વિવેકસ્વામીને ફોન કરો અને ઠાકોરજીને તેમની ગાડીમાં લઈ લેવા કહો.”

     પૂ. વિવેકસ્વામીની ગાડી પણ પ.પૂ. સ્વામીશ્રીની સાથે જ હતી એટલે ઠાકોરજીને એમની ગાડીમાં લેવડાવ્યા.

     સેવક સંતને અંતરે થોડો ક્ષોભ થયો કે, પ.પૂ. સ્વામીશ્રીને આ ચિંતા રાખવી પડી પરંતુ તેમને અને ગાડીમાં બેઠેલા સૌને અહોભાવ એક જ વાતનો હતો કે, કેવા એ પુરુષ છે.... ઓહોહો વળી પ.પૂ. સ્વામીશ્રી માટે ઠાકોરજીનું સ્થાન અને મુખ્યપણું કેવું ? એ કલ્પવું જ અશક્ય હતું.