એક સમયને વિષે ભગવાન શ્રીહરિ પ્રાતઃસમયે દાદાખાચરના દરબારગઢથી લક્ષ્મીવાડીએ પધાર્યા. લક્ષ્મીવાડીમાં ડભાણિયા આંબા પાસે ઓટા મધ્યે ઢોલિયા ઉપર બિરાજ્યા.વાડીમાં સેવા કરતા હરિભક્તો હરજીભાઈ, ઉકોભાઈ તથા મૂળો ભક્તને મહારાજ પધાર્યાની જાણ થતા આવ્યા ને મહારાજને ચરણસ્પર્શ કરી હાર પહેરાવ્યો.

     મહારાજ સૌ મુક્તો સામે મંદ સ્મિત રેલાવતા હતા ત્યાં મૂળા ભક્તે આવી મહારાજને હસ્તમાં મૂળો આપ્યો.

     મહારાજ કૂણો ને ભરાવદાર મૂળો જોઈ રાજી થયા, ત્યારે મૂળા ભક્તે કહ્યું,

     “મહારાજ ! આવા સારા મૂળા તો ઢગલાબંધ વાડીમાં થયા છે પણ સંતો જમાડતા નથી.”

     “સાધુ શા સારુ ન જમે ? આ મૂળા તો એવા છે જે,રાત્રે મનુષ્ય ન દેખતો હોય ને જમે તોપણ દેખતા થઈ જાય.” આમ આશ્ચર્ય ઉદ્ગાર સાથે મહારાજે કહ્યું.

     “મહારાજ ! મને પણ રાત્રે ઓછું દેખાય છે.”

     મૂળા ભક્તને હસ્તમાં રહેલો પ્રસાદીભૂત મૂળો આપી મહારાજે કહ્યું  “ભગત, આ મૂળો જમજો, રાત્રે બરાબર દેખાશે.”

     પછી મહારાજે સંતોને જમાડવા સારુ વાડીમાંથી બીજા મૂળા મગાવ્યા અને કડાઈ મગાવી. મૂળાને સારી પેઠે ધોવરાવી સુધારવા લાગ્યા. અને થોડી વારે લાધા ઠક્કરને ઘી લાવવાનું કહ્યું.ત્યારે લાધા ઠક્કરે કહ્યું, “ઘીનું શું કામ પડ્યું ?”

     “ભગત ! શાક વઘારવા.”

     “મહારાજ ! મૂળાનું શાક તો તેલમાં વઘારાય તો સારુ થાય.”

     “લાધા તું લોભિયો છે  તેથી ઘી લાવતો નથી.”

     “મહારાજ ! આ સંતોને પૂછી જુઓ જે, મૂળાનું શાક ઘીમાં સારુ થાય કે તેલમાં ?”

     ત્યારે સંતોએ કહ્યું, “મહારાજ ! તેલમાં શાક સારુ થાય.”

     ત્યારે મહારાજે કહ્યું, “સારુ ત્યારે તેલ લાવો.”

     પછી મહારાજે ચૂલા પર રંગેડો મૂકી શાક વઘાર્યું અને દરબારગઢમાંથી રોટલા મગાવ્યા.મહારાજે ત્રણ વાર શાક તપાસ્યું અને ચડી ગયા પછી શાક ઉતાર્યું. તેટલામાં દરબારગઢમાંથી રોટલા આવી ગયા.

     પહેલાં મહારાજે એક રોટલો ને ઉપર મૂળાનું શાક મૂકી જમાડ્યું. અને અડધી પ્રસાદી વાડીવાળાને આપી.

     પછી મહારાજે સંતો ને પાર્ષદોની (પાળા) જમવાની પંક્તિ કરાવી, પોતાના દિવ્ય હસ્તે રોટલા ને શાક પીરસ્યા અને હરે થયા.

     જમતાં જમતાં સંતો કહે,

     “આપણાથી આવું સ્વાદુ શાક ન થાય હોં !”

     “આ તો મહારાજની દિવ્ય પ્રસાદી છે તેમાં કહેવાપણું જ ન હોય.”

     “ખરેખર તો મૂળાનું શાક ન ભાવે પણ મહારાજ બનાવે તો રોજ જમાડીએ.”

     “અકળ મૂર્તિની આ અકળ રીત છે.”

     “આ પ્રસાદીનો લાભ જેમણે ન લીધો એ રહી ગયા હોં.”

     મહારાજ તો પીરસતાં પીરસતાં સંતોના આ સંવાદને સાંભળી મંદ મંદ હાસ્ય રેલાવતા હતા.