“અરે આત્મારામ ! અમો વડતાલ બિરાજતા હતા ત્યાં દર્શને ન આવ્યા અને અહીં છેક ભાવનગર !”

     “મહારાજ ! આપ વડતાલ બિરાજતા હતા ત્યારે સેવક એક કામમાં રોકાયેલો હતો. એટલે આપનાં દર્શને આવી ન શક્યો, તે કામ પૂર્ણ થતાં સુરતથી વહાણમાં બેસી અહીં ભાવનગર આપનાં દર્શને અને આપને એક નવલું નજરાણું આપવા આવ્યો છું.”

     વાત એમ હતી કે, સુરતના હરિભક્ત આત્મારામ દરજી ભગવાન શ્રીહરિનાં દર્શન વડતાલ ન જતાં ભાવનગર પધારેલા અને તેથી આશ્ચર્ય સાથે મહારાજે તેમને ભાવનગર પધારવાનું કારણ પૂછ્યું.

     શ્રીહરિએ આગળ વાત ધપાવતાં કહ્યું, “અરે ! ભલાભગત, નજરાણું આપવા છેક સુરતથી આવડો મોટો ધક્કો ખવાય ? એ તો વડતાલ કોઈ સાથે મોકલ્યું હોત તોય હું સ્વીકારી લેત.”

    “પણ, મહારાજ એ નજરાણું તૈયાર કરતા જ મને છ મહિના વીતી ગયા. મહારાજ હું કારીગરી શીખ્યો છું તે કારીગરી જો તમારી ડગલી બનાવવામાં વાપરી છે.”

     “એવી તે વળી કેવી કારીગરી હશે તે ડગલી બનાવવામાં આટલો સમય લાગ્યો ?”

     “મહારાજ, લો આપ જ જુઓને...!”

    આત્મારામે ડગલી કાઢી શ્રીહરિને ભેટ ધરી.

      મખમલના કાપડ પર સોનેરી તારના બુટ્ટા જડેલા તથા સૂર્ય ને ચંદ્રનાં સ્વરૂપો લગાવેલાં અને સોનેરી તારના બખિયા લીધેલાં આ ડગલી જોઈ ભગવાન શ્રીહરિ તાજુબ પામી ગયાં.

      આત્મારામ તો શ્રીહરિને ડગલી પહેરાવવા અધીરા હતા પણ મહારાજે કહ્યું,

     “અરે ભગત, મને આ ડગલી તો જોવા દે, હું પહેરીશ તો અન્યને તારી કારીગરી દેખાશે; મને નહીં.”

     આમ, શ્રીહરિ તો આ ડગલીને આગળ-પાછળ ફેરવીને જોતાં રહ્યાં. મહારાજે ડગલી જોતાં કહ્યું,

     “હે આત્મારામ ! તેં આ ડગલી બનાવવા પાછળ છ મહિના પસાર કર્યા તો તારા ધંધાનું શું ?”

     “ મહારાજ ! ધંધો તો આપના નામના જાપનો ચાલુ જ હતો અને અંતર આપની સ્મૃતિ વગરનું નહોતું રહેતું.”

     આ સાંભળી શ્રીહરિ તેમના પર અત્યંત પ્રસન્ન થયા અને ડગલી હાથમાં લઈ સૌને બતાવતાં કહ્યું,

     “જુઓ, આ આત્મારામની ડગલી ! તેમાં તેમણે પોતાનો આત્મા પરોવી પ્રેમના ટેભા લઈ અમને ગૂંથી દીધા છે.”

     સૌ સંતો-ભક્તો આત્મારામની ડગલીને નિહાળતાં અહોઆશ્ચર્યમાં ડૂબી ગયા.

     મહારાજે આત્મારામને કહ્યું,

     “આત્મરામ ! તું જ મને ડગલી પહેરાવ !”

     “મહારાજ ! મારો મનોરથ હતો તે આપે પૂર્ણ કર્યો.”

     આત્મારામે મહારાજને પ્રેમથી ડગલી પહેરાવી. સૌ મુક્તોએ શ્રીહરિનાં દર્શન કર્યાં અને દરેકને સંકલ્પો થયા કે મહારાજને આ ડગલી કેવી શોભા આપે છે ?

    ત્યારે મહારાજે સૌનાં સંકલ્પો જાણી કહ્યું, “આ ડગલી પહેરીને આવતીકાલે અમે ભાવનગર દરબારને ત્યાં જઈશું !”

    મહારાજે ડગલી કાઢી મયારામ ભટ્ટને ડગલી આપી અને સાચવવા કહ્યું. 

     આમ, શ્રીહરિમાં અપૂર્વ પ્રેમ અને ભક્તિભાવથી જે કોઈ પણ કાંઈ પણ અપર્ણ કરે તે ભક્તના પ્રેમમાં શ્રીહરિ બંધાઈ જતા.