મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં  બળિયા થતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર આવતા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીની કાયમી રીત મુજબ તેમને એકલા બેસાડી બેસાડી શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના અને નિયમ-ધર્મની દઢતા કરાવતા. તેમને મંદિરમાં રહેતા એક વડીલ પાર્ષદ ભગત સાથે હેત હતું. તેથી તેઓ અવારનવાર દર્શન માટે પણ જતા.

     એક સમય રમણભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને સતત પાંચ-સાત દિવસથી સમાગમ કરવા આવતા હતા. એક દિવસ બે-ચાર સંતો તેમને ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસનેથી આવતા જોઈ ગયા. તેઓને ખ્યાલ હતો કે રમણભાઈને આ ભગત સાથે હેત છે.

     તેથી તેઓએ આ ભગતને બોલાવ્યા અને તેમની હાજરીમાં રમણભાઈને ધમકાવવા માંડ્યા કે,  “રમણભાઈ, એ દેવસ્વામી તો બાપાવાળો છે, આપણે બાપાને માનતા નથી. માટે એની જોડે નહિ જવાનું, તેની વાત નહિ સાંભળવાની; નહિ તો તે તમને ભરમાવી દેશે.”

     રમણભાઈને ગુરુવર્ય પ.પૂ બાપજીની સાધુતા અને નિયમ-ધર્મથી મહિમા થયો હતો. તેથી તેમને સંતોની વાતમાં કાંઈ સમજાયું નહીં.

     થોડી વારે સંતો ગયા પછી તેમણે આ ભગતને પૂછ્યું કે, “હું શું કરું ? દેવસ્વામીના આસને કથા સાંભળવા જાઉં ?”

     આ ભગત ગુરુવર્ય પ.પૂ. બાપજીના સિદ્ધાંતવાદી જીવન અને સાધુતાથી પરિચિત હતા તેથી અહોભાવ સાથે કહ્યું કે, “જો આ મંદિરમાં ચારસો સાધુ છે તેમાં દેવસ્વામી છે એ એક જ સાચા હીરા જેવા સાધુ છે. તેમની સાધુતામાં લગીરેય પોલ નથી. અમે તો આબરૂ ને મર્યાદાના માર્યા એમની પાસે જઈ શકતા નથી. પરંતુ તમે જરૂર તેમનો સમાગમ કરજો એવી હું તમને અંગત ભલામણ કરું છું. બધા ભલે જે બોલતા હોય પણ તું કોઈની સામે ન જોતો. એમનો લાભ લેવાય એટલો લઈ લેજે.”

    “સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે.” એમ, પાર્ષદવર્ય બાપાના હેતવાળા ન હોવા છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિર્દંભ સાધુતાના ચાર મુખે વખાણ કરતા અને પોતાના હેતવાળાને પણ સમાગમ કરવાની ભલામણ કરી.