“ભાઈ, તમને શું દુ:ખ છે ?”

“દેવુભાઈ, મારા ઘરમાં ખૂબ જ કંકાસ ને અશાંતિ રહે છે. ઘરમાં કંઈ લાગે છે... કંઈ સમજાતું નથી... શું કરવું ?”

“ચિંતા, ન કરો. તમે શ્રીજીમહારાજને દંડવત-દર્શન કરો. બે-પાચ મિનિટ ધૂન કરો. શ્રીજીમહારાજ સારાવાના કરશે જ.”

“દેવુભાઈ, હું ત્રાસી ગયો છું. મારે આમાંથી છૂટવું છે” એમ કહી એક દુ:ખી ગામજન દેવુભાઈ સમક્ષ રડવા લાગ્યા.

“તમે,ચિંતા ન કરો. જો તમે શ્રીજીમહારાજનો આશરો કરશો તો તમને કોઈ જ દુ:ખ નહિ આવે. અત્યાર સુઘી મહારાજે ગામના ઘણા લોકોના તન, મન, ધન ને જનનાં દુ:ખો ટાળ્યા છે. જેમને મહારાજનું શરણું રાખ્યું તેમના મહારાજ કર્તા બન્યા અને તેમને અતિ વિકટ સંકટોમાંથી ઉગાર્યા છે. એટલે હવે તમે રડશો નહીં. મહારાજના શરણે આવી જાવ. મહારાજ તમારા દુ:ખમાત્ર ટાળી દેશે.”

“હા દેવુભાઈ પણ...”

“પણ...બણ હવે મૂકો... આ મહારાજ કેવા મોટા ! તે તમને મળ્યા છે. માટે મહારાજનો આશરો કરી લો. બીજું કાંઈ ન વિચારશો. મહારાજને અમે તમારા માટે પ્રાર્થના કરીશું.”

ત્યાં તો પેલા ભાઈ સાથે આવેલ કોઈક બોલ્યું, “અલ્યા, આ દેવુભાઈ તો મોટાપુરુષ છે.  તેમની પાસે મહારાજની મૂર્તિ છે તેણે ઘણાના કામ કર્યા છે. અરે ન ટળે એવું મારું દુઃખ એમણે ટાળ્યું છે. પણ દેવુભાઈ કહે તેમ કરજો તો તમને વાંધો નહિ આવે.”

હા, “તમે સાચું કહ્યું. દેવુભાઈ તો મોટાપુરુષ જ છે. હવે મારે એમના કહ્યા પ્રમાણે જ કરવું છે.”

પેલા ભાઈએ દેવુભાઈના કહ્યા મુજબ મહારાજનાં દંડવત-દર્શન કર્યા ને પાંચ મિનિટ ઘૂન બોલ્યા.

દેવુભાઈ ગામમાં આવા અનેક દુ:ખી-પીડીત ગામજનોને મહારાજનો આશરો કરાવીને એમને મહારાજનાં શરણાગત કરતા અને મહારાજ પણ જે જે ભક્ત નિષ્ઠા રાખતા તેમનાં કામો કરતાં.

આમ, દેવુભાઈને સદગુરુશ્રીઓ થકી પ્રાપ્ત થયેલ શ્રીજીમહારાજની એક ચક્ષુવાળી ચમત્કારિક મૂર્તિ દ્રારા અનેક ગામજનોને નિષ્ઠા કરાવી હતી.